ક્રાઇમ સિક્રેટ:જાપાનની ‘ઘોસ્ટ બોટ’નું રહસ્ય શું?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-is-the-mystery-of-japans-ghost-boat-135354988.html
રાજ ભાસ્કર
આ કહાની જાપાનની છે. જાપાન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલો દેશ. અહીં સાડો આઈલેન્ડ નામનો એક વિસ્તાર નોર્થ કોસ્ટ તરીકે પણ ઓળખાય છે. આ કિનારા પર માછીમારો અને અન્ય મજૂર વર્ગ રહેતો. આ એરિયાની સમુદ્રી સીમા રુસ, નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા સાથે જોડાયેલી હતી. લગભગ 2002થી અહીં રહસ્યમયી સિલસિલો શરૂ થયો. અહીંના કિનારે નાની-નાની બોટો તરીને આવવા લાગી. એમાંથી કોઈ બોટમાં કંકાલ હોય, કોઈમાં સડી ગયેલી માનવીની લાશ હોય તો કોઈમાં માત્ર હાથ-પગ કે માથું હોય.
લોકોએ સ્થાનિક પોલીસને ફરિયાદ કરી. વાત સરકાર સુધી પહોંચી, પણ કોઈએ વિશેષ તપાસ ના કરી. ખબર ના પડી કે આ બોટો ક્યાંથી આવે છે? કોણ મોકલે છે? એ કંકાલો, લાશો કોનાં છે? દાયકો વીતી ગયો. માનવીની લાશો અને કંકાલ ભરેલી બોટો આવતી રહી. લોકોએ એ નૌકાઓને ‘ઘોસ્ટ બોટ’ (ભૂતિયા નાવ) નામ આપી દીધું. લોકો ભયંકર ખૌફ વચ્ચે જીવી રહ્યાં હતાં. વળી પ્રશાસનનો પણ ખર્ચ વધી ગયો હતો. બોટો ઠેકાણે પાડવાની, એમાં મળતાં કંકાલો કે લાશોનું પોસ્ટમોર્ટમ કરવાનું, એના રિપોર્ટ્સ સાચવવાના, એના અગ્નિસંસ્કાર કરવાના વગેરે કામો અને ખર્ચ વધતાં જતાં હતાં.
શરૂઆતમાં મહિને-બે મહિને બોટો આવતી. પછી એની માત્રા વધી. અઠવાડિયે કે દસ દિવસે બોટ આવવા લાગી. 2011માં 57 બોટો, 2012માં 47, 2013માં 80 અને 2014માં 65 ઘોસ્ટ બોટ જાપાનના નોર્થ કોસ્ટ કિનારે તરી આવી. સમય બદલાયો, સરકાર પણ બદલાઈ. જાપાનમાં લાંગરતી ‘ઘોસ્ટ બોટ’ની કહાની આખી દુનિયામાં મશહૂર થઈ ગઈ હતી. આથી સરકારને લાગ્યું કે હવે સીરિયસલી કંઈક ઈન્વેસ્ટિગેશન કરવું પડશે. એ પછી સરકાર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી અને તપાસ શરૂ થઈ.
તપાસમાં કેટલીક ખાસ ચીજો સામે આવી. લાશો ભરીને આવતી બધી બોટની બહાર લાલ રંગથી કંઈક લખાણ લખેલું હતું. એક્સપર્ટ પાસે એ લખાણ ઉકેલાયું તો ખબર પડી કે બોટ પર ‘કોરિયન પીપલ્સ આર્મી’ એવું લખ્યું હતું. બોટમાંથી મળેલાં કેટલાંક સામાનની પણ તપાસ થઈ.
આવાં ઘણાં ઈન્વેસ્ટિગેશન બાદ કમિટીએ રિપોર્ટ આપ્યો કે, દરેક બોટ પર લાલ રંગે લખાયેલું લખાણ અને એમાંથી મળતી ચીજવસ્તુઓથી એ સાબિત થાય છે કે આ બોટો નોર્થ કોરિયાની છે, પણ આ રિપોર્ટ માનવા કોઈ તૈયાર ના થયું, કારણ કે નોર્થ કોરિયાથી જાપાનનું અંતર 1000 કિ.મી. હતું. નાની બોટમાં આ અંતર કાપવું આત્મહત્યા કરવા સમાન હતું. અહીં આવતાં પહેલાં જ આ બોટો મોજાંઓનો કોળિયો થઈ જાય. તપાસ કમિટી મક્કમ હતી કે બધી ઘોસ્ટ બોટો નોર્થ કોરિયાની જ છે, પણ સાબિત કેવી રીતે કરવું? એમાંથી દાયકાઓ જૂની બીજી કહાની સામે આવી.
વાત એમ હતી કે 1977થી 1983ના છ વર્ષના ગાળામાં જાપાનના નોર્થ કોસ્ટ કિનારે રહેતા 17 માછીમારો એટલે કે જાપાની નાગરિકો ગાયબ થયા હતા. એ લોકો હોડી લઈને ફિશિંગ પર નીકળ્યા હતા પછી તેમનો કોઈ પતો જ નહોતો લાગ્યો. તેમના પરિવારજનોએ પોલીસ અને સરકારને ફરિયાદ કરી. તપાસ થઈ, પણ કંઈ વળ્યું નહીં. બે વર્ષ પછી 1985માં અજીબ ઘટના બની. એક દિવસ જાપાની કોસ્ટગાર્ડને નોર્થ કોસ્ટના કિનારે શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ. અધિકારીઓએ એનો પાસપોર્ટ, આઈડી કાર્ડ ચેક કર્યાં. એનું નામ હતું તાદાકી હારા. તપાસ કરતા ખબર પડી કે આ તો પેલા ગુમ થયેલા 17 માછીમારોમાંનો જ એક હતો. જાપાન ખુશ થયું કે બાકીના 16 લોકોય જીવતા હશે.
એની પૂછપરછ કરતા કંઈ ઔર જ કહાની સામે આવી. ખરેખર એ ગાયબ થયેલા 17 માછીમારોમાંનો એક નહોતો. ગુમ થયેલા માછીમારના પાસપોર્ટ પર પોતાનો ફોટો ચિપકાવીને એ વ્યક્તિ અહીં આવ્યો હતો. એ મૂળ નોર્થ કોરિયાનો જાસૂસ હતો. એને પૂછવામાં આવ્યુ કે તો પછી ગુમ થયેલા જાપાની માછીમારનો પાસપોર્ટ તારી પાસે કેવી રીતે આવ્યો? એ સવાલના જવાબમાં એણે આખી કહાની સામે ધરી દીધી. એણે કહ્યું કે 1977થી 1983 દરમિયાન જાપાનના જે 17 લોકો ગાયબ થયા હતા એને એક પછી એક કરીને નોર્થ કોરિયાએ જ કિડનેપ કર્યા હતા અને એમને પોતાની જેલમાં રાખ્યા હતા.
કિડનેપનું કારણ ગજબનું હતું. નોર્થ કોરિયા જાપાનમાં જાસૂસી કરવા માટે પોતાના જાસૂસોને જાપાની ભાષા શીખવવા માંગતું હતું. પરફેક્ટ પ્રોનાઉન્સેશન આવે એટલે જાપાની માછીમારોને બંદી બનાવીને નોર્થ કોરિયા તેમની પાસેથી ભાષા શીખતું હતું. આ સાથે બીજો પણ ખુલાસો થયો.
એ નોર્થ કોરિયન જાસૂસે એ વખતે પોતાની કબૂલાતમાં એમ પણ કહ્યું, ‘અમારા માછીમારો ફિશિંગ માટે નીકળે, રસ્તો ભટકી જાય અને સમુદ્રમાં જ મરી જાય. સમુદ્રના વહેણને કારણે એ બોટો તરતી તરતી જાપાનના નોર્થ કોસ્ટ કિનારે આવી જાય છે. 1975માં આવી પહેલી બોટ આવી હતી. આ બધી નોર્થ કોરિયાને ખબર છે પણ એ કંઈ બોલતું નથી.’
>>Click here to continue<<