પેરેન્ટિંગ:ઘરમાં બીજું બાળક ખુશી લાવે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/will-another-child-bring-happiness-to-the-house-135345966.html
ચોક્કસ! બીજું બાળક ખુશી લાવે. ખુશી સાથે પરિવર્તન પણ લઈ આવે. આ સવાલ ઘણાબધા પેરેન્ટ્સનો આજે છે. એક બાળક હોય પછી બીજું લાવવું કે ન લાવું તેની અવઢવમાં તેઓ રહે છે. પહેલું બાળક આવનારા બાળકને પ્રેમપૂર્વક અપનાવશે કે પછી કોમ્પ્લિકેશન ઊભા થશે? એક વિચાર એ પણ છે કે ભાઈ-બહેન હશે તો ભવિષ્યમાં પહેલું બાળક એકલતા નહીં અનુભવે.
આવો જાણીએ, બીજું બાળક કેમ જરૂરી છે. મોટાભાગના કપલ વિચારે છે કે એક જ સંતાન હોય તો ઉછેર સારી રીતે થઈ શકે. તેનું કારણ વધતી મોંઘવારી છે. પરંતુ, વિચારવા જેવી વાત એ છે કે આપણે આ માનસિકતાથી આપણા બાળકને એકલતાની ટેવ પાડી રહ્યા છીએ, કારણ કે આજના સમયમાં સંયુક્ત પરિવાર પણ નથી રહ્યા, જેથી બાળકો કાકા, બાપાના બાળકો સાથે મળીને રહેતા શીખી જાય. હવે તો વિભક્ત પરિવારનું ચલણ છે તેમાં પણ એક જ સંતાન હોય તેની અસર તે બાળકના વ્યવહાર પર સ્પષ્ટ દેખાય છે.
જયારે પ્રથમ બાળક પછી બીજું બાળક પરિવારમાં આવે છે ત્યારે તેને જોઈને પ્રથમ બાળકમાં મેચ્યોરિટીની ભાવના આવી જાય છે. ધીરેધીરે તે મમ્મીના નાનામોટા કામમાં મદદ કરે છે. પોતાના કામ જાતે કરતા શીખી જાય.
પ્રથમ બાળક જયારે એકલું હોય છે ત્યારે તે વિચારે છે કે જે પણ તેની પાસે છે તે બધું તેનું છે અને તે કોઈની પણ સાથે પોતાની વસ્તુ શેર કરતું નથી. જેના લીધે કોઈવાર મહેમાન આવ્યા હોય તો તેમના બાળકો સાથે આપણા બાળકનો આવો વ્યવહાર શરમમાં મૂકી દેતો હોય છે. પરંતુ, બીજું બાળક જન્મતા તે વસ્તુ શેર કરતા શીખે છે.
પરંતુ, એટલું ધ્યાન રહે કે પરિવાર કે પાર્ટનરના દબાણમાં આવીને બીજી પ્રેગ્નન્સી પ્લાન ન કરો, પહેલાં પોતે તૈયાર થાઓ. તમારી ફાઇનાન્શિયલ કંડિશન સારી છે અને તમારું સ્વાસ્થ્ય સારું છે તો બીજા બાળકનો પ્લાન કરવો તમારા માટે સુખમય સાબિત થશે. સૌથી મહત્ત્વની વાત તમે બીજું બાળક કરો છો તો બંને પર સમાન ધ્યાન આપો.
બાળક સાથે પ્રેમથી વાત કરો કે પરિવારમાં એક નાનું બાળક આવશે તો તને ગમશે? તેને સમજાવો કે તે તમને હંમેશાં વહાલો રહેશે. તેનું સ્થાન કોઈ નહીં લઈ શકે. તૈયારીમાં તેને સામેલ કરો જેમકે કપડાંની પસંદગી કરાવવી, રુમ સજાવવો, નામ વિચાવું. બાળકને તેનો નાનપણનો ફોટો બતાવો અને કહો જયારે તે નાનો હતો ત્યારે બધાને બહુ ખુશી આપતો હતો. આવનારું પણ તેને ખુશી આપશે. ભાગીદારીની ભાવના વિકસાવો જેમ કે હવે તે 'મોટો ભાઈ' કે 'મોટી બહેન' બનશે. નાનાને કેવી રીતે સાંભળવો, પ્રેમ કરવો વગેરે વિશે વાર્તા દ્વારા તેને સમજાવો.
નવું મહેમાન આવી જાય ત્યારે પ્રથમ બાળક અવગણિત ન થાય તેનું ધ્યાન રાખો. શિશુ જન્મે ત્યારે હોસ્પિટલ લઈ જઈપ્રેમપૂર્વક મળાવો. જ્યારે તે કંઈ સારું કરે ત્યારે વખાણ અવશ્ય કરો. ધ્યાન રાખો પ્રથમ સંતાન માટે આ બદલાવ નવો છે. બીજું બાળક પરિવાર માટે આનંદ અવશ્ય લાવે છે. બસ, જરુરી છે થોડી તૈયારીઓ!
>>Click here to continue<<