કાવ્યાયન:મેરા દર્દ ન જાને કોઈ...
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/no-one-knows-my-pain-135347971.html
હરદ્વાર ગોસ્વામી બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું!
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
- મરીઝ 65માં એક ડોકટરે મરીઝ પાસે ગઝલો લખાવી ‘દર્દ’ નામે ગઝલ સંગ્રહ પોતાના નામે પ્રગટ કરવાના હતા પણ શૂન્ય પાલનપુરી અને અન્ય શાયરોના ઉહાપોહને કારણે એમ ન થયું. હવે એ ‘દર્દ’ સંગ્રહ ‘સમગ્ર મરીઝ’ રૂપે પ્રગટ થયો છે. ગુજરાતી સાહિત્યમાં ‘દર્દ’ રૂપે મરીઝની અપ્રગટ ગઝલો માણવા-મમળાવવા મળશે. આજે ડોક્ટર દિવસ છે તો દર્દની દાસ્તાન મરીઝની મહેફિલમાં માનવી રહી.
મરીઝ કોઈ પણ વિષયના શેર લખે પણ એમાં દર્દ અંતર્નિહિત હોય, હોય અને હોય. દર્દ એમનું પ્રથમ અને પ્રખર પાસું છે. મજાની વાત એ છે કે એ દર્દ મરીઝનું દર્દ છે. પોતે જે અનુભવ્યું અને આસ્વાદ કર્યો છે એ દર્દ છે. અનુભૂતિના એરણ પર હથોડા ખાઈ અને મજબૂત અને મજબૂર થયેલું દર્દ છે. અગ્નિપરીક્ષામાંથી પસાર થઇ સોના જેમ ચળકેલું અને ચમકેલું દર્દ છે. એમની મોટા ભાગની ગઝલના દરેક શેર નવા ભાવવિશ્વનનો ભંડાર ખોલે છે, અંતે ખળખળતા સાગરના તળિયે મુહોબતના મોતી મળે છે.
જો કે એમ જોવા જઇએ તો જગતનું મોટાભાગનું સાહિત્ય પ્રેમ ઉપર પ્રાપ્ત થશે. આમેય જગતને સુખી કરવું હોય તો પ્રેમ સિવાય આરો અને આરો-ઓવારો નથી. મરીઝનો પ્રેમ લાઉડ ન હતો, એ તો ‘ચુપ ચુપ ચાહ રહી’ વાળો પ્રેમ હતો. હાથમાં માથું લઈને પ્રેમગલીમાં પ્રવેશ મળતો હોય છે. કોઈને પ્રેમ કરતા હોય તો એના પાટિયા ડોકમાં ન બાંધવાના હોય, પ્રેમની વાત તો લોહીમાં લખાતી હોય છે. પ્રેમની પૂર્વશરત દર્દ છે. દર્દનો દરિયો તરો તો જ કમનીય કિનારો મળે છે.
મરીઝને પહેલેથી ભણવામાં રસ હતો જ નહીં. બે ચોપડી ભણ્યા બાદ એમની બે ગઝલની ચોપડી આજે યુનિ.માં ભણાવાય છે અને એમના પર અનેક વિધાર્થી Ph.D. થયા છે. એકવાર મરીઝને આર્થિક મદદ માટે મુશાયરોનું આયોજન થયું હતું. પણ વધેલી રકમ એમના સુધી પહોંચી જ નહીં ત્યારે મરીઝે કહ્યું કે ‘મારા પીવાના પૈસા આ લોકો ખાઈ ગયા’ મરીઝ અંતિમ ક્ષણ સુધી સર્જનરત રહ્યા. એમના શેર વાંચીને થાય કે ‘અરે આ તો મારા હૃદયનું દર્દ છે.’ મરીઝે ગઝલ ન લખી હોત તો ગુજરાતી ભાષાને દર્દનો પૂરો પરિચય કદાચ ન મળત...
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’
પોતે ન દે, બીજાની કને માગવા ન દે. મળો કે ના મળો, મનમાં તમે તો છો,
દિવસ ને રાત, પાંપણમાં તમે તો છો.
તમારી યાદ આંખોથી સતત ટપકે,
પલક ભીનાશના જળમાં તમે તો છો.
હવા સાથે ખબર મેં મોકલાવી’તી,
ભરમના શ્વેત કાગળમાં તમે તો છો!
પ્રણય દીવાનગી લાંબો સમય ચાલી,
છતાં એકાંતની પળમાં તમે તો છો.
નગરમાં આજ ‘રશ્મિ’ ઘર વગરનો છે,
હૃદયનાં વેરાન ઘરમાં તમે તો છો!
- રશ્મિ શાહ
કો’ક લાંબી મૂસાફરી પર જવાની જાણે
આ તૈયારી તો નથી ને!
અથવા તો કો’ક ખેપેથી પાછાં ફર્યાની
આ નિશાની?
શિયાળે રીંછ ઘારણમાં ચાલ્યું જાય
એમ વીતે છે મારા દિવસો ને રાત
એક જ જગાએ, એક જ ખૂણે
ઘૂંટણ છાતીએ ચાંપી
એકલવાયા, ચૂપચાપ.
ધીમા ધીમા અવાજોમાં
આઘાપાછા અજવાળામાં
ઊંધમુંધ અંધારામાં પડખાં ઘસું છું
થાક ઊતરે છે કે થાક ચઢે છે.
કળ વળતી નથી ગમ પડતી નથી
બીડેલી આંખના આકાશે
ભાળું ક્યારેક હંસોની લાંબી કતાર
તો ક્યારેક ઓરડીની નિર્જનતામાં
ચાલ્યાં આવેલાં
પારેવાંની ભોંઠપે ઘડીક જાગું,
ને ફરી ફફડાટોના પડઘે
કે પ્રહરોના લંબાતા પડછાયાની આડશે
પોઢી જાઉં.
સરી જાઉં ધૂપછાંવના એ જગતમાં
એ ઘારણમાં.
- પીયૂષ ઠક્કર ડૂબ્યા-તર્યા એક સમાનઃ
પાણીનો ઝબકાર ન પૂછ
દરિયા સામે એક જ બુંદઃ
લોહીનો પડકાર ન પૂછ.
તારા ભાગે આવ્યો બાગ,
ફોરમનો આકાર ન પૂછ.
આખી વાવ ઉલેચી નાખ,
તરસ તણો પ્રકાર ન પૂછ.
કાંડે વીંટાયો છે સાપ, કં
કણનો રણકાર ન પૂછ.
તારા હાથે છૂટ્યું તીર,
નાડીનો ધબકાર ન પૂછ.
- માવજી મહેશ્વરી આખી ને આખી માણસાઈ ગાયબ છે,
વધ્યું છે માત્ર હાડમાંસ સારવારમાં.
લેબોરેટરી, x-ray અથવા બ્લડ ટેસ્ટ,
માણસાઈની સારવાર જ સૌમાં શ્રેષ્ઠ.
- હિતેષ ચાવડા
ભરોસો પાર કરવા નાવ જોડી હોય છે
પછી શંકાની એણે ગાંઠ છોડી હોય છે.
છલોછલ વાદળાંને ક્યાં લગી રાખે ભરી
વરસવાની ગરજ એનેય થોડી હોય છે.
- જિજ્ઞા મહેતા
હવામાં પ્રસરતી મીઠી સુગંધ છે તું
પ્યારથી છલકાતો મીઠો જામ છે તું.
હૃદયમાં છુપાવીને ફરુ છું નામ તારું,
મારા આ જીવનનું બીજું નામ છે તું.
-પારસ મકીમ મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,
એ હળવે હળવે ચાલે છે,
>>Click here to continue<<