સેતુ:સ્માઇલ પ્લીઝ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/smile-please-135347988.html
લતા હિરાણી એક રખડેલ લાગતો છોકરો આવ્યો. એને એના માપનું ટીશર્ટ મળ્યું અને ફોટોગ્રાફરને સારું સ્માઇલ. પોટલામાં ભરેલાં જૂનાં કપડાં પૂરાં થયાં આપમેળે ને સહજતાથી ન ખીલતા લોક એ
દંભના દરિયા છલકતા લૈને ફરતા લોક એ
‘સ્માઈલ પ્લીઝ...’ અરીસામાં જોતાં કૃપા મેડમના કાનમાં રણઝણ્યું. ફિક્સ સ્માઇલ સાથે ફૂલ મીરરમાં મોટો ચાંદલો અને પીળી સાડીમાં એ સુંદર લાગતાં હતાં. એક માપસરનું સ્માઇલ એમના ચહેરા પર ચીપકાયેલું જ રહેતું. એમાં કોઈ ફેરફાર ન થાય. અચાનક ક્યાંક સાડીની કિનાર વળેલી દેખાઈ. એણે કંકુને બૂમ મારી.
‘તને કેટલી વાર કહ્યું છે કે મારી સાડીઓ પ્રેસમાંથી આવે પછી જોઈ લેવી.’
‘સોરી મેમ. જોઈ તો હતી પણ આટલું ધ્યાન બહાર રહ્યું. લાવો એટલામાં જરા પ્રેસ મારી દઉં.’
‘હવે ટાઈમ ક્યાં છે બદલવાનો? તારે ચીવટ રાખવી જોઈએ.’ કંકુ નીચી મુંડી કરીને ઊભી રહી.
‘હવે બાકીના કામ માટે કહેવું પડશે?’
કંકુ એકદમ સફાળી જાગી ગઈ હોય એમ એ દોડીને પર્સ લઈ આવી. મેડમની સાડી સાથે મેચિંગ સેન્ડલ કાઢ્યાં. ગોગલ્સ અને છત્રી ગાડીમાં મૂકી આવી. મોબાઇલમાં રિંગ વાગી. ‘હેલો, વાહ, ફાઇન. લહેર ક્લબ પણ જોડાય છે. એ લોકો કપડાં લાવે છે ને?’
‘ના મેડમ, જે ખર્ચ થશે એનો અડધો આપી દેશે. ફોટોગ્રાફર બોલાવ્યો છે, એ લોકોને નાસ્તો આપવાનો છે.... જોકે એ લોકોએ આપણે બધા ‘તૃપ્તિ’માં લંચ લેશું એમાં ભાગ આપવાની ના પાડી છે.’
‘બરાબર છે. પણ બધી ચોખવટ કોણે કરી? હશે, તમે કામ સારું કરો છો.’ કૃપા મે’મ ગાડીમાં ગોઠવાયા. ‘ડેકીમાં બધાં કપડાં આવી ગયા?’
‘જી મે’મ, બીજાં મૂકવા છે? હજી ઘણી જગ્યા છે. બે પોટલાં છે. એક પેલી બહેનોની સંસ્થાએ મોકલાવ્યું હતું અને એક આપણું.’
‘ના, ના. ભાઈ તમે ગાડી સ્ટાર્ટ કરો. આપણે પહોંચવામાં મોડું થશે.’
ગાડી નજીકના ગામે પહોંચી. સંસ્થાનાં બીજાં લોકો આવી ગયાં હતાં. ગામનાં લોકો હજુ આવ્યાં નહોતાં. ડ્રાઇવરને બોલાવવા મોકલ્યો. ખોબા જેવડું ગામ. તરત દસ-પંદર લોકો આવી ગયા. ડ્રાઇવર બોલ્યો, ‘હજી બીજાં આવે છે.’
‘ઓહ...’ તાપ બરાબર લાગતો હતો. કૃપા મેડમ અને બીજાં સભ્યો પોતપોતાની ગાડીમાં જ એસી ચાલુ રાખીને બેસી રહ્યા. થોડીવારમાં ચાલીસ-પચાસ લોકો થઈ ગયા. બધાં પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા. ગાડીમાંથી ઉતરતાં મેડમે ફોટોગ્રાફર આવી ગયો છે કે નહીં એ ચેક કરી લીધું. પેપર ડિશોમાં નાસ્તો કઢાયો, મેડમ અને બીજાઓના હાથે અપાયો. ફોટાઓ લેવાયા. ‘બેન મને... બેન મને...’ કરતાં એ ચીંથરેહાલ બાળકો અને મોટાંઓ વીંટળાઇ વળ્યા. ધક્કામુક્કીમાં કેટલાયની ડિશ હાથમાંથી પડી ગઈ. એમને ફરી અપાયું. એ બધા તડકામાં લાહ્ય જેવી ભોમ પર નીચે બેસીને ખાઈ રહ્યાં હતા. હજી કપડાં વહેંચવાના બાકી હતા.
ઘડીક હાશ કરતાં સૌ ફરી ગાડીમાં ગોઠવાયા. ડ્રાઈવર અને બીજા એકાદ-બે લોકો આ બધાં ખાઈને જતાં ન રહે એનું ધ્યાન રાખવામાં પડ્યા. કૃપા મેડમ અને સેક્રેટરી ગાડીમાં વાત કરતાં હતા. ‘આમાં ફોટા સારા ન આવ્યા હોય. બધાને લાઇનમાં રાખવાનું કહ્યું હતું પણ ખાવાનું જોઈ એકદમ એ બધા તૂટી પડ્યા.’
‘હા ભાઈ, આપણે સારા કામનો પ્રસાર કરવાનો છે. ફોટા તો સારા જોઈએ.’
‘મેમ હવે બે જણા કોઈ લાઇનમાંથી ખસે નહીં એનું ધ્યાન રાખશે અને એક-એકને બોલાવી કપડાં વહેંચશું.’
‘હા, અને ઝડપ કરવી પડશે. ગરમી વધતી જાય છે.’ નાસ્તાનો કાર્યક્રમ પૂરો થયો. આખા ટોળાંને દોડાદોડી નહીં કરવાની સૂચના અપાઈ.
કૃપા મે’મ ઊતર્યા. એકને ઈશારો થયો. એ અંદર ધસી ગયેલા પેટવાળો મજૂર આગળ આવ્યો. કૃપા મે’મ માપસરના સ્માઇલ સાથે હાથમાં ટીશર્ટ લઈને ઊભા હતા. ફોટોગ્રાફર અકળાયો, આ માણસ…. ‘ભાઈ આમ સામું જુઓ અને સ્માઇલ આપો.’
પેલો બાઘાની જેમ જોવા માંડ્યો. સ્માઇલ જેવું તો કશું એના ચહેરા પર આવ્યું નહીં. આપનારના હાથમાં રહેલા લાલ ટીશર્ટ પર એની નજર હતી. ફોટોગ્રાફરની સૂચના છતાં એને હસતાં ન જ આવડ્યું. એની આંખ પણ ઝીણી ને અંદર ધસેલી હતી!
બીજી બાઈ, બેઠી હતી ત્યાંથી જ હાથ લાંબો રાખીને દોડી. ‘મને હાડલો દ્યો ને બુન!’
‘સાડી તો નથી બહેન, પંજાબી જ છે બધાં. તારી દીકરીને આપજે.’
‘દીકરી કેદૂની મરી ગઈ બુન! હાડલો આલો તો કામ લાગે માડી!’
મેડમ થોડાં ખચકાયા. એમનું ફિક્સ સ્માઇલ માપથી જરા ઓછું થયું પણ ક્ષણભર જ. તરત બીજાને બોલાવવામાં આવ્યા. આવનાર એક બાળકી હતી. ફોટોગ્રાફરે બહુ હોંશથી એના તરફ કેમેરો ફોકસ કર્યો. એની ટબૂડી આંખો ખાલી કૂવા જેવી લાગતી હતી. એના હાથમાં દુપટ્ટો અપાયો. એ અસમંજસથી જોઈ રહી. ‘આનું શું કરવું!’ પણ એનું ગભરુપણું એ સવાલ ગળી ગયું. હાથમાં દુપટ્ટો લઈ નિરાશ પગલે એ પાછી વળી.
>>Click here to continue<<