સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ થયા પછી શું કરવું જોઇએ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-should-be-done-after-cyber-fraud-135305834.html
કેવલ ઉમરેટિયા ઇ ન્ટરનેટ અને મોબાઇલના વધેલા ઉપયોગે આપણાં જીવનને સરળ બનાવી દીધું છે. જોકે, તેની સાથે સાથે સાયબર ક્રાઇમ પણ વધી રહ્યું છે. સાયબર ગઠિયાઓ લોકોને ચૂનો લગાવવા માટે દરરોજ અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. જેની સાથે દરરોજ હજારો લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. OTP શેર કરવાથી લઇને લિંક પર ક્લિક કરતા ક્યારે બેંક એકાઉન્ટ ખાલી થઇ જાય તે કહેવું હવે મુશ્કેલ છે. આ બધા વચ્ચે મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે સાયબર ફ્રોડ થાય પછી શું કરવું જોઇએ? સૌથી પહેલાં તો સાયબર ફ્રોડ થયા બાદ ડરવાના બદલે તરત કેટલાક જરૂરી પગલાં લેવા જોઇએ. સૌથી પહેલાં તમારી બેંકને જાણ કરો
જેવી તમને ખબર પડે કે તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે અથવા તો કપાઇ ગયા છે તો સૌથી પહેલું કામ તમારી બેંકને જાણ કરવાનું કરો. તરત જ તમારી બેંકના એજન્ટ/મેનેજરને ફોન કરો. જો નજીક હોય તો રૂબરૂ જાઓ અથવા કસ્ટમર કેર હેલ્પલાઇન પર કૉલ કરો. બેંકિંગ એપ અથવા વેબસાઇટ પર જઈને તમારું કાર્ડ/ખાતું બ્લોક કરો. આ સિવાય પૈસા કપાયા તેની વિગતો, તારીખ અને સમય નોટ કરી લો. જો તમે 24 કલાકની અંદર બેંકને જાણ કરો છો, તો RBIના નિયમો અનુસાર પૈસા પાછાં મળવાની શક્યતા વધુ રહે છે. સાયબર હેલ્પલાઇન નંબર પર કૉલ કરો
ત્યારબાદ તરત જ ભારત સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફોન કરો. સરકારે ખાસ સાયબર ફ્રોડના રિપોર્ટ માટે 1930 પર ફોન કરો. આ હેલ્પલાઇન ટોલ ફ્રી છે. આ નંબર 24x7 કામ કરે છે. આ કૉલ પોલીસ અને બેંકિંગ અધિકારીઓને કનેક્ટ કરે છે. આનાથી તમે રિયલ ટાઇમમાં ટ્રાન્ઝેક્શનને હોલ્ડ કરાવવાનો પ્રયાસ કરી
શકો છો. આ નંબર પર ફોન કરો અને તમારી સાથે થયેલા ફ્રોડની વિગતો આપો. સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો
ભારત સરકારે સાયબર ગુનાઓની ફરિયાદ માટે એક ઑનલાઇન પોર્ટલ બનાવ્યું છે, જે વેબસાઇટનું યુઆરએલ www.cybercrime.gov.in છે. આ પ્લેટફોર્મ પર તમે OTP ફ્રોડથી લઇને સોશિયલ મીડિયા હેકિંગ જેવી ઘટનાઓનો ઑનલાઇન રિપોર્ટ કરી શકો છો. જેના માટે સૌથી પહેલાં વેબસાઇટ ખોલો. ત્યારબાદ ‘Report Other Cybercrime’ પર ક્લિક કરો. OTP દ્વારા લૉગિન કરો. ઘટનાની તારીખ, ફ્રોડનો પ્રકાર, કેટલી રકમ વગેરે તમામ વિગતો ભરો. સાથે સ્ક્રીનશોટ અથવા ચેટ જેવા પુરાવા અપલોડ કરો. ફરિયાદ દાખલ કર્યા પછી તમને Acknowledgement નંબર મળશે જેને આગળ ટ્રૅક કરી શકાય છે. નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો
તમારા શહેરના અથવા તો જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઇને ઘટનાની લેખિત ફરિયાદ આપો. ફરિયાદ કરવા જાઓ ત્યારે જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે લઇને જાઓ. જેમ કે આધાર કાર્ડ / ઓળખ પત્ર, બેંક સ્ટેટમેન્ટ, ફ્રોડ મેસેજ/કૉલનો સ્ક્રીનશોટ વગરે. ફરિયાદ બાદ તેની રસીદ અથવા FIR નંબર જરૂર લો. ઘણી જગ્યાએ પોલીસ ‘ફક્ત પૈસાનો મામલો છે, બેંક જોશે’ કહીને છટકી જાય છે — પરંતુ યાદ રાખો, તમારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવાની જ છે. ફરિયાદ નોંધવી એ તેમની ફરજ છે અને ફરિયાદ નોંધાવવી એ આપણી ફરજ છે. પુરાવાઓને સુરક્ષિત રાખો
સાયબર ક્રાઇમના મોટાભાગના કિસ્સાઓમાં લોકો ગભરાઇને મોબાઇલ ફોર્મેટ કરી દે છે. ત્યારબાદ તેઓ પોલીસ પાસે જાય છે. આવું બિલકુલ ના કરવું જોઇએ, આમ કરવાથી તો તમે જાતે સબૂતનો નાશ કરી રહ્યા છે. પોલીસ પર વિશ્વાસ રાખીને મોબાઇલ કે કમ્પ્યુટર જે સ્થિતિમાં હોય તે રીતે તેમની પાસે લઇ જાઓ, જેથી એપરાધીની મોડસ ઓપરેન્ડી સમજવામાં અને ટ્રેક કરવામાં મદદ મળે. આ સિવાય બીજી મહત્ત્વની વાત કે WhatsApp અથવા SMS ચેટ, સ્ક્રીનશોટ જેમાં ફ્રોડ લિંક, OTP, ટ્રાન્ઝેક્શન ID, બેંકમાંથી મળેલ ઇમેલ અથવા એલર્ટ, કૉલ રેકોર્ડિંગ (જો શક્ય હોય તો) વગેરે પુરાવા સાચવી રાખવા જોઈએ.
છેલ્લે એટલું જ કેહવાનું કે સાયબર ફ્રોડ થયા બાદ ત્વરિત કાર્યવાહી ખૂબ જરૂરી છે. એક એક મિનિટનો વિલંબ તમારા પૈસા પાછા મેળવવાની શક્યતાને ઘટાડે છે. જેમ કોઇને હાર્ટએટેક આવે ત્યારે મેડિકલ ઇમર્જન્સીમાં CPR આપવામાં આવે છે, તેમ જ સાયબર ફ્રોડમાં ત્વરિત રિપોર્ટ કરવો એ CPR જેવું જ કામ કરે છે. ફ્રોડ થયા પછી શરમ કે ડર રાખ્યા વિના ઉપરનાં પગલાં અનુસરો. સજાગ બનો અને બીજાને બનાવો કારણ કે આજે તમારી સાથે થયું છે, કાલે કોઈ બીજા સાથે થઈ શકે છે.
>>Click here to continue<<