દેશી ઓઠાં:મુરતિયો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/statue-135305832.html
ડા યા મુખીનું ખોરડું ખમતીધર ગણાય. નાત્યમાં પૂછવા ઠેકાણું. આબરુ મોટી. રખાવટવાળો માણસ. ઘરની નાર પરભા એટલે ઘરનું ઢાંકણ. ખોરડાના શણગાર જેવી ખાનદાન બાઈ. ડાયા મુખીને બધી વાતની સરખાઈ. પણ ખાટલે મોટી ખોટ કે એકનો એક દીકરો ઉકો સાવ અક્કલમઠો. કાંઈ ગતાગમ નહીં. પાદરે મોકલ્યો હોય તો ચોકમાં જઈને ઊભો ર્યે. ગૉળ લેવા મોકલો તો ડાળિયા લઈ આવે. મે’માન આવે તો પૂછે: ‘તમે કોણ છો? શું લેવા આવ્યા છો?’
ઉકાને મગજની હાર્યે લણાદેણી જ નહીં. ઈ જ કારણે ઉકો અઠ્યાવીશ વરસનો થ્યો તોય કપાળ કોરું જ રહી ગ્યું. ખોરડું મોટું, માણસો ખાનદાન, પણ મુરતિયામાં જ મીઠું નહીં! આવા મીઠા વગરનાને કોણ દીકરી આપે! ઉકો ઉંમર વટાવી ગ્યો. મેળ નો પડ્યો તે નો જ પડ્યો. ઉકાને સંસારની કાંઈ સાનભાન નહીં, પણ ક્યારેક એની મા પરભાને ઘણી વાર ક્યે, ‘બાડી! ગામમાં હંધાય છોકરાનાં લગન થાય છે, તે મારેય લગન કરવાં છે. વરરાજો થાવું છે. ફુલેકું કાઢવું છે.’ પરભાની આંખ્ય ભીની થાતી. મુરખ દીકરાની સામે જોઈને નિહાકો નાખતી.
ઘણી વાર ઉકાને જોવા મેમાન આવે. તો ઘણીવાર ઉકાને લઈને કન્યા જોવા જવાનું પણ થાય. દરેક વખતે ઉકો બોલીને એવું બાફી મારે કે સગપણની વાત પહેલાં પગલે જ પાછી પડે. એકવાર પંદરેક ગાઉ છેટેના પાવઠી ગામે એક ઠેકાણું જોવાની વાત ઉકાના મામા થકી આવી. સામેવાળા મામાના ઓળખીતા છે. મામાએ તો ઉકાને ઉપાડ્યો. પાવઠી પૂગ્યા. આદર- સન્માન થ્યાં. બપોરે જમવા બેઠા.
ઘઉંનો શીરો, મગની દાળ, રીંગણાંનું શાક, પાપડ, ચીભડાની કાચરી, ગુંદા-ડાળાં ને ગરમરનાં આથણાં. ઉકાએ તો ઝપટ બોલાવી. સામે ભાતનો થાળ મૂકેલો. ઉકાને ભાત, દાળ અને શીરો માગવાં છે, પણ નામ આવડે નહીં. મામાને ભાત સામે આંગળી ચીંધીને પૂછે છે કે આને શું કહેવાય? મામાએ ડોળા કાઢીને કીધું, ‘અરે, બોઘા!’ ઉકાએ દાળનું પૂછવા ઈશારો કર્યો. મામાએ નાકે આંગળી મૂકીને કહ્યું, ‘ચૂપ!’ વળી શીરા માટે પૂછયું. મામા ખીજાણા, ‘તારું કપાળ!’ ઉકાને ત્રણેય નામ મળી ગ્યાં. ઉકાએ કન્યાની માને કહ્યું: ‘ચપટીક બોઘા, ચૂપ અને મારું કપાળ આપો!’
કન્યાનું આખું ઘર ગોથે ચડી ગ્યું.
>>Click here to continue<<