વાંચવાં જેવાં પુસ્તકો:વિશ્વની સદાબહાર બાળવાર્તાઓ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/evergreen-childrens-stories-from-around-the-world-134780544.html
વિશ્વની સદાબહાર બાળવાર્તાઓ Á શિવમ્ સુંદરમ Á પાનાં: 186 Á કિંમત: 300 રૂ.
શિવમ્ સુંદરમની મોટાભાગની બાળ વાર્તાઓ બોધરૂપ, રસરૂપ અને જીવનનું ઘડતર કરનારી હોય છે. તેમની પાસે બાળકો માટેની પ્રેરક વાર્તાઓનો ભંડાર છે. તેમની ‘વિશ્વની સદાબહાર બાળવાર્તાઓ’ તેમાંનું જ એક સર્જન છે. આ પુસ્તકમાં 27 જેટલી બોધ આપતી બાળ વાર્તાઓ છે. આ બધી ટૂંકી વાર્તાઓને ચિત્રો સાથે ઉલ્લેખવામાં આવી છે. પુસ્તકમાંની પહેલી વાર્તા ‘પતિંગ ભાટ’માં ભાટ અદભુત સિદ્ધિઓના નામે જોડકણાં જોડીને લોકોની વાહવાહી મેળવે છે. જ્યારે ‘માંકડાનું મોં’માં માંકડાં અને વાંદરાના મોઢાંની સરખામણીની જાપાની દંતકથાની વાત કરવામાં આવી છે.
‘સોનેરી ગુલાલ’, ‘મતલબી મિત્રો’, ‘સ્વચ્છતા’, સર્પ-રાક્ષસ, ‘શીતળ જંગલ’ અને ‘રાઇનો દાણો’ જેવી ઘણી વાર્તાઓ છે જે બાળકોને વાંચીને મજા પડી જાય. આ પુસ્તકનું કવર પેજ પણ ઘણું કલરફુલ અને કાર્ટૂન કેરેક્ટર જેવું છે, જેમાં પુસ્તક પર બેઠેલા બે નાનાં બાળકો, મહેલ, કુદરતી સૌંદર્ય અને ડ્રેગન દોરેલાં છે. અડધું તો પુસ્તકનું આ કવર જોઇને જ બાળકોને વાંચવાનું મન થઇ જાય.
***
ગોતી ગોતીને ગીતો ગાયાં Á માલિની સી. શાસ્ત્રી Á પાનાં: 72 Á કિંમત: 110 રૂ.
બાળકો વાંચનથી દૂર થતાં જાય એવી ફરિયાદ છે. માતા-પિતા પણ મોબાઈલમાં વધારે વ્યસ્ત હોય છે. પરંતુ જો માતા-પિતા કે દાદા-દાદીને રસ હોય અને બાળકો સાંભળવાના હોય તો પછી આ પુસ્તક ઉપયોગી થશે, કેમ કે બારેક વર્ષ સુધીનાં બાળકો ગાઈ શકે એવાં ગીતો અહીં પસંદ કરીને મુકાયાં છે. પુસ્તકમાં કુલ 43 ગીતો છે અને દરેક સાથે ચિત્રો પણ છે, જે બાળકોને ગમશે.
***
જનિનથી ક્રિસ્પર સુધીની સફર Á યોગેન્દ્ર જાની Á પાનાં: 172 Á કિંમત: 225 રૂ.
ફૂગ કે બેક્ટેરિયા વિશે આપણે જાણતા હોઈએ અને એ પછીય અસાધ્ય રોગો મટાડવા માટે બીજી અનેક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, જનિનશાસ્ત્રનો વિકાસ થયો એમ ક્ષેત્ર વિસ્તરતું ગયું એ સાથે ક્રિસ્પર પદ્ધતિ પણ આવી. મોટા ભાગે આ ટેક્નિક એનીમિયા, કેન્સર તેમજ બીજી આનુવંશિક બીમારીઓમાં ઉપયોગી છે. એટલે લેખકે આ અઘરો અને નવો વિષય પસંદ કરીને પુસ્તકમાં જનિન ચિકિત્સા, કોષ ચિકિત્સા, ક્રિસ્પર એમ બધું જ સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, પુસ્તકની શરૂઆતમાં જનિન, રંગસૂત્રો કે જનિનજન્ય રોગોની સમજણ આપીને જનિનો અને મહત્ત્વના રોગો, બિનચેપી રોગો, જનિન ચિકિત્સા, વંશીય કોષો બાબતે પણ પ્રકાશ પાડ્યો છે. સાથે ક્રિસ્પર સાથે જોડાયેલા વિજ્ઞાનીઓની વાત કરીને વાચકોને સરળ પડે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
***
ફોર ટાઈમ સેવન 777 Á વંદના ચેતન
Á પાનાં: 125 Á કિંમત: 280 રૂ.
લેખિકા વંદનાની આ બીજી નવલકથા છે. રસાસ્વાદ અને રહસ્યમય વિષય તેમણે વાચકો સમક્ષ રજૂ કર્યો છે. જોકે, પુસ્તકનું શીર્ષક કુતૂહલ પ્રેરે છે અને વાચકોને પણ કદાચ મૂંઝવે ખરું. તેમ છતાં અગાઉ ‘લાગણીનું બાયનોક્યુલર’ જેવી સામાજિક નવલ આપ્યા પછી લેખિકાએ આ બીજો પ્રયાસ કર્યો છે. જોકે, જોડણીની અસંખ્ય ભૂલોને અવગણીએ તોય ‘ફોર ટાઈમ સેવન’ નવલકથા સામાજિક અને શૈક્ષણિક પરિવેશમાં શરૂ થાય છે અને આગળ વધતાં અનેક આશ્ચર્યો ઊભાં કરે છે. નવલકથાનાં વિવિધ પાત્રો વચ્ચેનો દ્વંદ્વ આ નવલકથાને મજબૂત બનાવતું પાસું છે. એ સાથે જ લેખિકાએ પુસ્તકમાં જરૂર પડ્યે ત્યાં અનેક વિચારપુષ્પ મૂક્યાં છે.
***
એસ્કૉર્ટ Á વિરલ વૈશ્નવ Á પાનાં: 358
Á કિંમત: 395 રૂ.
‘વળાવિયો’ શબ્દ કદાચ બહુ ઓછાને ખબર હશે, પણ અંગ્રેજી એસ્કૉર્ટનો સીધો ને સરળ અર્થ વળાવિયો થાય, જેને આપણે ભોમિયો કહીએ કે પછી રક્ષણ પૂરું પાડતી સશસ્ત્ર ટુકડી કહીએ. એમ તો સ્ત્રી સાથે સામાજિક નાતો રાખીને જતો પુરુષ પણ એવો વળાવિયો જ કહેવાય, પણ આ સમગ્ર કથામાં એસ્કૉર્ટની ભૂમિકા જરા જુદી છે. પતિ-પીડિત સ્ત્રીઓના દાખલા આપણી આસપાસ અનેકવાર જોઈએ, સાંભળીએ છીએ. એની સામે પત્ની-પીડિત પતિઓના કિસ્સાઓય છાસવારે આપણે જોઈએ છીએ. પત્નીની જોહુકમી હોય, કાયદાની બીક બતાવીને વગર કારણે પતિને દાબમાં રાખતી હોય એવો જ આ નવલકથાનો વિષય છે. જોકે, આ નથી ક્રાઈમસ્ટોરી કે નથી લવસ્ટોરી કે લવટ્રાયેન્ગલ સ્ટોરી. વાર્તાનો અંત પણ અકલ્પ્ય છે.
***
હૃદય રત્નો Á રોહિત શાહ Á પાનાં: 130
Á કિંમત: 400 રૂ.
‘મારી પ્રેરણાના અંગત પાત્રોની સંગત’ એવું પેટા શીર્ષક ધરાવતું આ પુસ્તક નામ મુજબ લેખકને અંગત રીતે પ્રેરણાદાયી લાગ્યા એવા લોકોની વાત કરે છે. પ્રેરણાની વાત આવે એટલે સમાન્ય રીતે મહાનુભાવોનાં નામ આવતા હોય છે, પરંતુ આ પુસ્તકમાં 17 પ્રકરણો છે અને ઘણાંખરાં નામો એવાં છે, જે દરેક વાચકને જાણીતા ન પણ લાગે. લેખકને તેમાંથી પ્રેરણા મળી છે, માટે અહીં તેનો સમાવેશ કર્યો છે.
>>Click here to continue<<