દેશ-વિદેશ:ટ્રમ્પની અણઘડ વિદેશ નીતિ બ્રિક્સને પ્રોત્સાહન આપશે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/will-trumps-clumsy-foreign-policy-boost-brics-134780520.html
ડૉ. જય નારાયણ વ્યાસ મ્પના પ્રમુખ બનતાની સાથે જ બ્રિક્સ પણ ચર્ચામાં આવ્યું છે. આ વર્ષે જુલાઈમાં બ્રિક્સ સમિટનું બ્રાઝિલમાં યોજાવાનું છે. એક બાજુ બ્રિક્સનું વિસ્તરણ થઈ રહ્યું છે, તો બીજી બાજુ તેના ભવિષ્ય વિશે અનિશ્ચિતતાઓ પણ છે. જાન્યુઆરીમાં, બ્રિક્સે સત્તાવાર રીતે ઇન્ડોનેશિયાને તેના દસમા સભ્ય તરીકે આવકાર્યું. અન્ય નવ દેશોએ બ્રિક્સ ભાગીદાર દેશો બનવા માટે આમંત્રણો પણ સ્વીકાર્યા, ભાગીદાર દેશોને વોટિંગ પાવર નથી મળતો.
ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને તુર્કી બ્રિક્સ સભ્યપદ માટે મજબૂત ઉમેદવાર હતા. ઇન્ડોનેશિયા દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી મોટું અર્થતંત્ર છે અને વ્યૂહાત્મક રીતે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આવેલું છે. સાઉદી અરેબિયા વિશ્વનો ટોચનો તેલ નિકાસકાર અને મધ્ય-પૂર્વનો મુખ્ય ખેલાડી છે. જ્યારે તુર્કી જો સભ્ય બને, તો તે બ્રિક્સમાં જોડાનાર પ્રથમ નાટો સભ્ય હશે. જો તુર્કી અને સાઉદી અરેબિયા સભ્ય તરીકે જોડાય તો તે વિશ્વવ્યવસ્થામાં મોટા પરિવર્તનનો સંકેત હશે.
બ્રિક્સનું વધતું સભ્યપદ સૂચવે છે કે આ બ્લોક વિશ્વભરમાં વિશ્વસનીયતા મેળવી રહ્યું છે, પશ્ચિમી નેતૃત્વ હેઠળની સંસ્થાઓના વિકલ્પમાં સામેલ થવા આતુર વિવિધ અર્થતંત્રોને આકર્ષિત કરી રહ્યું છે. પરંતુ વધારે દેશોને સમાવવાથી જૂથની સર્વસંમતિમાં કાર્ય કરવાની ક્ષમતા ઘટવાનું જોખમ રહેલું છે.
2023ની બ્રિક્સ સમિટ પહેલા, ઇન્ડોનેશિયાએ તેમાં જોડાવા રસ દર્શાવ્યો હતો પરંતુ તત્કાલીન ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ વિડોડોએ આમંત્રણને ૨૦૨૪ની દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી વિલંબિત કરવાની અપીલ કરી. એટલે 1 જાન્યુઆરી, 2024ના રોજ ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત જ સભ્ય બન્યા. તે પછીના વર્ષમાં વિસ્તરણ અંગે સંગઠનની અંદરના મતભેદોને કારણે ઇન્ડોનેશિયાનું સભ્યપદ અટવાયેલું રહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ વિરોધી ચીન અને રશિયા બ્રિક્સના વિસ્તરણ માટે દબાણ કરી રહ્યા છે, જ્યારે મધ્યમમાર્ગીય બ્રાઝિલ અને ભારત સંગઠનમાં પોતાનો પ્રભાવ ગુમાવવાના ડરને કારણે ખચકાટ અનુભવી રહ્યા છે.
નવા સભ્યોને જોડવામાં BRICS સભ્યોના ખચકાટને કારણે જ ગયા ઓક્ટોબરમાં યોજાયેલ શિખર સંમેલનના અંતે 13 નવા ભાગીદાર દેશોની આમંત્રણ યાદી નક્કી કરવામાં આવી. સભ્યના બદલે ભાગીદાર દેશનો દરજ્જો આપવાનો નિર્ણય સંગઠનનું વિસ્તરણ ઇચ્છતા દેશો અને ખચકાટ અનુભવતા દેશો વચ્ચે સમાધાનરૂપ છે. 1 જાન્યુઆરીએ બ્રાઝિલે બ્રિક્સનું વાર્ષિક પ્રમુખપદ સંભાળ્યું ત્યારે બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, થાઇલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન સત્તાવાર રીતે બ્રિક્સ ભાગીદાર બન્યા અને માત્ર પાંચ દિવસ પછી, બ્રાઝિલે ઇન્ડોનેશિયાને બ્રિક્સ સભ્ય તરીકે જાહેર કર્યું. નાઇજીરિયાએ 17 જાન્યુઆરીએ ભાગીદાર દરજ્જો સ્વીકાર્યો.
ઇન્ડોનેશિયાનું સભ્યપદ અચાનક જાહેર કરવામાં આવ્યું જે સૂચવે છે કે હવે જ્યાં સુધી કોઈ દેશ સભ્યપદ સ્વીકારે નહીં ત્યાં સુધી એની જાહેરાત કરવામાં નહીં આવે. સાઉદી અરેબિયાના સભ્યપદ સ્વીકાર અંગે મૌન અને 2023ની સભ્યપદ ઓફરને આર્જેન્ટિનાએ શરમજનક રીતે નકારી કાઢી. અનુભવથી બ્રિક્સે આ શીખ લીધી છે.
ઇન્ડોનેશિયાનો બ્રિક્સ પ્રવેશ સૂચવે છે કે જે દેશો પશ્ચિમ વિરોધી વિચારધારાને સમર્થન નથી આપતા તે પણ બ્રિક્સમાં સામેલ થઈ શકે છે. ઇન્ડોનેશિયાની હાજરી બ્રાઝિલ અને ભારતની બ્રિક્સની બિન-જોડાણવાદી પાંખને મજબૂત બનાવશે, જ્યારે તાજેતરમાં જોડાયેલ ઈરાન, રશિયા અને ચીનના પશ્ચિમ વિરોધી વલણને સમર્થન આપે છે.
સાઉદી અરેબિયા એક વર્ષથી વધુ સમયથી તેના 2023ના આમંત્રણ સાથે રમી રહ્યું છે. જાન્યુઆરીમાં, ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’માં સાઉદી મંત્રીએ કહ્યું હતું કે દેશ હજુ પણ બ્રિક્સ સભ્યપદનું મૂલ્યાંકન કરી રહ્યો છે.
બ્રિક્સમાં રસ દર્શાવીને, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકાને સંકેત આપ્યો કે તેમની પાસે અન્ય વિકલ્પો પણ છે અને એ રીતે અમેરિકા સાથે દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર ચાલી રહેલી વાટાઘાટોમાં પોતાના પક્ષે લાભ લેવા માગે છે. જોકે, ટ્રમ્પ ફરી પ્રમુખ બનતા સમીકરણ બદલાયું છે. જો સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે અનુકૂળ કરાર થઈ જાય તો તે બ્રિક્સ સભ્યપદ ઠુકરાવી શકે છે. સાઉદી અરેબિયા બ્રિક્સમાં જોડાય તો અમેરિકા તરફથી આર્થિક નુકસાનનો ભય પણ તેને રહેશે. સાઉદી અરેબિયાએ જે રીતે બ્રિક્સ આમંત્રણને લટકાવી રાખ્યું છે તેણે બ્રિક્સની નબળાઈઓ ખુલ્લી પાડી છે.
>>Click here to continue<<